Register | Login Search

ગુજરાતી સાહિત્ય

સર્જિતના રિસર્ચ પેપર-૪ પર પ્રતિભાવ - વિશાલ મોણપરા

Mar 15 2007

સર્જિતે પોતાના બ્લોગ પર http://sarjeet.wordpress.com/2007/03/15/paper4/ આ પેપર મુક્યુ છે. તેનો પ્રતિભાવ હું ત્યાં આપવાની જગ્યાએ થોડી વિસ્તારથી વાત કરવા માટે અહિંયા મુકુ છુ. માટે આપને સૌપ્રથમ તો આ પેપર વાંચવા માટે અનુરોધ છે.

સૌ પ્રથમ તો હું કબુલ કરુ છુ કે હું આસ્તિક માણસ છુ અને ઇશ્વરમાં સંપુર્ણ શ્રદ્ધા ધરાવું છુ અને છતાં પણ સહુના વિચારો નો આદર કરુ છુ. હું ધર્મને આધુનિક વિચારસરણીના દ્રષ્ટિબિંદુથી પણ જોઇ શકુ છુ અને જો કોઇ પણ વસ્તુ અયોગ્ય લાગે તો પ્રાચિન રૂઢિઓને ફગાવી દેવામાં પણ માનું છુ.

હું જે આજે પ્રતિભાવ આપી રહ્યો છુ તે સર્વમાન્ય અને સર્વગ્રાહ્ય એવી ભગવદ્  ગીતાનો આધાર લઇને આપવાનો પ્રયત્ન કરીશ કે જેથી કોઇને કોઇ પણ જાતની શંકા રહે નહી.

શરૂઆત કરીએ આપણે શ્રદ્ધાથી. ભ.ગી. (૪-૩૯)માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રદ્ધા રાખનારો માનવી જ્ઞાન પામે છે તેથી આપણને જો શ્રદ્ધા હોય તો જ આપણે ખરુ જ્ઞાન પામી શકીએ છીએ. આ જ્ઞાન પામીને આપણે ભગવાનને પામીએ છીએ. પરંતુ દરેક વ્યક્તિની બુદ્ધિ અલગ પ્રકારની હોય છે અને તેની પાત્રતા પણ અલગ પ્રકારની હોય છે જેથી દરેકને મળતું જ્ઞાન પણ અલગ અલગ હોય છે. ભ.ગી. (૪-૧૧)માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો મને જે રીતે પામે છે તેને હું તે રીતે બદલો આપું છુ.

હિંદુ ધર્મના સઘળા શાસ્ત્રોને બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે ભગવાન પાસેથી સાંભળેલું અને સ્મૃતિ એટલે જે વ્યક્તિએ ભગવાન પાસેથી સાંભળેલું હોય તેની પાસેથી સાંભળીને યાદ રાખેલું. વેદ એ શ્રુતિ પ્રકારમાં આવે છે. શાસ્ત્રોમાં શબ્દ-પ્રમાણને સૌથી શ્રેષ્ઠ માન્યુ છે. એટલે કે જો કોઇ વ્યક્તિ કંઇ પણ બોલે તો તેનું મહત્વ બીજા આંખે દેખ્યા પુરાવા કરતાં પણ શ્રેષ્ઠ છે. ભ.ગી. (૪-૧/૨)માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મેં સઘળુ જ્ઞાન માનવીને (બોલીને) આપ્યુ પરંતુ સમયની સાથે તે નષ્ટ થતું ગયુ.

સ્વર્ગ

ઉપરના ફકરા પ્રમાણે ભગવાને આપેલું જ્ઞાન એટલે જ વેદ તથા અન્ય શાસ્ત્ર. એટલે શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગને શ્રદ્ધા સાથે સ્વિકારવું જ રહ્યુ.

વેદકાળમાં મૂર્તિપૂજા નહોતી.

વેદકાળ એ સત્વ ગુણથી ભરેલ હોવાથી સઘળા લોકો બ્રહ્મ અને પરબ્રહ્મને જાણતા હતા અને તેથી જ કોઇને મુર્તિપુજાની આવશ્યકતા ન લાગી હોય અને સમય જતાં લોકો રજો અને તમોગુણમાં પ્રવર્તતા હોવાથી આધ્યાત્મિક માર્ગમાં કોઇ સહારાની જરૂર પડી હોય અને તેથી જ લોકોએ મુર્તિપુજાની શરૂઆત કરી હશે કે જેથી આરામથી ભગવાનનું ભજન કરી શકે. મુર્તિપુજા સમજાવવા માટે એક ઉદાહરણ આપુ છુ. ધારો કે કોઇ વ્યક્તિ ફોન પર તેના પપ્પા સાથે વાત કરી રહ્યો છે. તેનો મિત્ર આવીને કહે છે કે તુ કોની સાથે વાત કરી રહ્યો છે તો જવાબ હશે પપ્પા સાથે. પરંતુ હકીકતમાં તો એ ફોન સાથે જ વાત કરી રહ્યો છે. અહીં ફોન એક માધ્યમ છે પપ્પા સાથે વાત કરવાનું. તેવી જ રીતે મુર્તિ એ ભગવાન અને ભક્ત વચ્ચેનું એક માધ્યમ છે.

અગત્સ્ય, પરશુરામ, વિશ્વામિત્ર, દુર્વાસા નું ઉદાહરણ

ભ.ગી. (૫-૧૮)માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાન પામેલા માટે તો દરેક તરફ સમદૃષ્ટિ હોય છે. અગત્સ્ય, પરશુરામ, વિશ્વામિત્ર, દુર્વાસા દરેક બ્રહ્મવેત્તા હતા તેથી તેઓ પ્રકૃતિને પણ સાહજિક રીતે બ્રહ્મ જાણીને પુજતા. આજના સમયમાં પણ માનવ અને પ્રકૃતિ અલગ નથી છતાં પણ માયાના આવરણને કારણે આપણે સઘળું અલગ અલગ જોઇએ છીએ.

બ્રહ્મા, વિષ્ણું, મહેશ ઉદભવ્યા

ભગવાન ક્યારેય ઉદભવતા નથી પણ તેમનો પ્રાદુર્ભાવ થાય છે. (ભ.ગી. (૪-૬)). ભ. ગી.(૪-૭/૮)માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું મારી જ માયામાંથી મારી જ જાતનું સર્જન કરુ છુ.

અનેક અનુયાયી અને પંથો

ભગવાન જ્યારે જ્યારે અલગ અલગ રૂપ લઇને પૃથ્વી પર અવતાર લે છે ત્યારે  ત્યારે એ સમયમાં હાજર રહેલા/ભવિષ્યમાં જન્મ લેનાર મનુષ્યો તેમનું અનુકરણ કરે છે.(ભ. ગી.(૩-૨૧/૪-૧૧)) તેથી જ હિંદુ ધર્મમાં અનેક સંપ્રદાયો  અસ્તિત્વમાં આવેલ છે. અને વળી ભગવાનની પણ કરૂણા દૃષ્ટિ પણ કેવી? માનવીને પોતાના પસંદ પડતા રૂપને ભજવાની સ્વતંત્રતા આપેલી છે. અને તેથી જ આ સંપ્રદાયો અને પંથો આ રીતે ચાલતા જ રહેશે.

વર્ણવ્યવસ્થાની જડતા

વળી ભ.ગી.(૪-૧૩)માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ચાર વર્ણાશ્રમોનું સ્થાપન તો તેમણે પોતે જ માનવીમાં રહેલા ગુણોને અને તેમના કર્મોને આધારે કર્યુ છે.

જો આ સઘળું સમજાવનાર જો ખુદ ભગવાન શ્રી કૃષ્ણ હોય તો પછી ભુલ કોની કહેવાય? સમજનારની કે સમજાવનારની?

ગુજરાતી સાહિત્ય