Register | Login Search

ગુજરાતી સાહિત્ય

દિલકી સુનો - રમેશ શાહ

Dec 22 2006

‘ઓફીસ જાવ એ પહેલાં ઘર ખર્ચ ના પૈસા આપતાં જજો’ .  ધર્મપત્ની નો અવાજ.
‘પપ્પા મારે પણ પાંચ (હજાર) આજે તો જોશે જ’ . મોટા ચિરંજીવી નો હુકમ થયો.
‘મેં તો તમને ત્રણ દિવસ થી કહ્યુ છે, મારી ફ્રેન્ડ ની બર્થડે આવે છે . મારે આજે એના માટે પ્રેઝન્ટ લાવવાની છે. કેટલા આપશો?’ મારી દિકરી પણ પારકી થાપણ સોનલ બહુ સલૂકાય થી પ્રગટી.
‘ભાઈ, તું કેમ બાકી રહી ગયો છે ?’ નાના રાજીવ ને મેં ખુબ પ્રેમ થી પુછ્યુ.
હજું તો હું શ્વાસ લઊ એ પહેલા મારા પર રીતસર નો હુમલો થયો, મારાજ માનેલા અને સાચવેલાં પત્ની, પુત્રો, અને પુત્રી મારી સામે આવીને ઊભા રહ્યા. અને હું વધું નર્વસ થઈ ગયો.

મેં શ્રીમતી ને શાંતિથી - લીટરરીલી શાંતિથી -પુછ્યુ ‘બે દિવસ પહેલાં જ જે પૈસા આપ્યા હતા તેનું શું કર્યુ ?’
 ‘હિસાબ ની ડાયરી જોવી છે તમારે ?’ સીધો સવાલ ફેકાયો. ’પપ્પા તમને યાદ છે તમે મને સેલ ફોન લેવા ત્રીસ હજાર આપ્યા એ આપ્યા.પંદર દિવસ થી પુછ્યુ ય નથી કે હું કેમ મેનેજ કરું છુ’.

‘ભાઈ તું તો બોલતો જ નહી, મને બધી ખબર છે તારા પૈસા ક્યાં પૂરા થાય છે .... આ મને જ પુછ કે છેલ્લા વીક પછી મેં કેવી રીતે ફક્ત બે હજાર માં ચલાવ્યું છે’ . નાના ની નાજુક રજુવાત પણ બહુ નફટાય થી થઈ. ’આ અમેય સમજીયે છીયે કે કેટલી મોંઘવારી છે . પણ પપ્પા મારા સ્કુટી માં પેટ્રોલ ન પુરાવું ? પંચર પડે કે નાનુ મોટુ રીપેરીગ કે પછી નો એંન્ટ્રી માં પોલીસ પકડે તો મારે એનું ભલું ન કરવું?’ મારી લાડકી બોલી.

‘હવે તો તમે બધ્ધા મારું ભલું કરો તો મહેરબાની’ . મારાથી અકળાય ને રીતસર રાડ પડાય ગઈ. મેં સમજાવવાની કોશીશ કરી કે હુ એકલો કમાવવા વાળો અને ખર્ચવાવાળા પાંચ. બધાની જરૂરીયાત મારા એકલા થી હવે નથી સંતોષાતી.તમે બધા એક કામ કરો..મારી આવક ને ધ્યાન માં રાખીને આપણે સાથે બેસીને એક બજેટ બનાવીયે.  આ રવીવારે સૌ પોતપોતાની અંગત જરૂરીયાતો ની યાદી બનાવો એમાં ઘરખર્ચ ઉમેરતા છેવટે શું બચે છે તે જોઈએ.શરત માત્ર એટલી જ કે પર્સનલ નીડ્સ માં કાપ મુકવો પડે તો મુકવાની તૈયારી બધાયે રાખવી પડશે કારણ ગમેતેટલું વિચારીયે પણ ઘર નો ખર્ચો તો મમ્મી ને બરોબર જ લાગશે.

‘એવું  હોય તો કાલથી તમે જ ઘરનો કારભાર સંભાળો.એક તો પાય પાય બચાવીને ઘર ચલાવવાનુ અને ઉપરથી આખી જીંદગી મારે તો આજ સાંભળવાનુ. તમને બધાને એકેય વસ્તુ વગર ચાલતું તો છે નૈ છતાં હું જ પૈસા ખર્ચુ છુ? મારો જ હાથ છુટ્ટો છે? આ બધું હુ કાંઈ મારા માટે નથી લાવતી’ . સવિતા ના ઉકળાટ થી સીન જામતો જતો હતો.
‘મોમ તારે પર્સનલ લેવાની જરૂર નથી’ . મોટો ચિરંજીવ આજે મને સમજુ લાગ્યો.
‘હા પપ્પા ની વાત જનરલ છે . આપણે ઘરખર્ચ નુ પણ બજેટીગ કરશુ. બસ તને જે તે હેડ માં જેટલાં પૈસા ફાળવવા માં આવે તારે એ કામ માટે એટલા જ પૈસા માં ચલાવવાનું સીમ્પલ’ . દિકરી ડહાપણ નો દરીયો બની.
‘પહેલાં તમારા બાપ ને સમજાવો કે જેટલાં પૈસા સીગરેટ પાછળ ખર્ચે છે એટલાં જો મને આપે તો એક સારી સાડી તો લઈ શકું’ . ટીપીકલ મીડલ ક્લાસ ફેમિલી ના ઘર નો સીન. ‘જીદગી માં એકજ કુટેવ પડી છે એ છુટતી નથી એ તને ભારે લાગે છે ?’  મારા થી બોલાય ગયું.
‘પપ્પા તમારે ઓફીસ નું મોડું નથી થતું ?’ રાજીવે મને બચાવ્યો. હું બહાર નીક્ળ્યો અને એય મારી સાથે બહાર આવ્યો. ચાલો હું તમને ઓફીસ મૂકતો જાઉ.
મને નવાય તો લાગી પણ હું એના સ્કુટર પર પાછળ બેસવા જ જતો તો ત્યાં...
મને ત્રણ હજાર રૂપીયા આપો મારે કામ છે. નાના એ પોત પ્રકાશ્યુ. મારી પાસે હમણા એટલાં નથી. જોયું નહી તારી મમ્મી ને બે હજાર આપ્યા એ? મારી સામે એ રીતે તાકી રહ્યો જાણે મેં કોઈ ભુલ કરી હોય.કહે ‘વાંધો નહી સાંજે આવો ત્યારે લેતા આવજો’ . ’પપ્પા મને યાદ આવ્યું...મારે તો કોલેજ જવાનુ છે . તમે બસ માં જતાં રહો. બસ સ્ટેન્ડ સુધી મૂકી દઉં ?’
‘મહેરબાની દિકરા હું જાતે જઈ શકીશ’ .મનોમન વિચારતો બે પગલાં ચાલ્યો હોઈશ અને મારી પાછળ સ્કુટર નો હોર્ન વાગ્યો . ફરીને જોયું તો બ્રાંડ ન્યુ સ્કુટર પર મારો મિત્ર ગોપાલ.
‘ઓફીસ જવું છે ને ? ચાલ તને પહેલાં મુકી દઉં. હું ગોપીપુરા જવાનો છુ’ . હું પાછળ બેઠો. ‘સ્કુટર નવું લીધું ?’ ’મારા દિકરાયે મને બર્થ-ડે ગીફ્ટ આપી’ . હું શું બોલું ?

રવીવાર એ સામાન્ય રીતે રજાનો દિવસ.આરામ નો દિવસ. અમે આરામ થી બજેટ બનાવવા બેઠા.
‘ઓકે ચિરંજીવ તને આ મહીને કેટલાં પૈસા જોઈશે’ ?   મેં પહેલ મોટા થી કરી.
‘આપણે ઘર ના ખર્ચા નું પહેલાં વિચારીયે તો કેમ’ ? મમ્મી નો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય’ .
‘કેમ હું જ તમને પ્રોબ્લેમ લાગું છું ? મારી પણ કંઈ જીંદગી છે? ઘરમાં ગોંધાય ને કામ કરવા સિવાય મારે બીજું કરવાનું શું છે’ ? શ્રીમતી બોલ્યા ને મારી આંખમાં આસું આવતા આવતા રહી ગયા. આસું આવ્યા હોત તો  એટલાં માટે કે મને થયું કેટલી દુ:ખી છે, એને કોણ સમજાવે કે મને એના માટે કેટલો પ્રેમ છે. ફક્ત મને સારું સારું બોલતા નથી આવડતું એજ મારો વાંક.
ગાડી બીજે પાટે જઈ રહી છે એવુ લાગતાં જ સોનલે બાજી સંભાળી ‘ઓકે મમ્મી તનેં શું લાગે છે ઘર માં અનાજ કરીયાણુ, દુધ, છાપાનું બીલ,લાઈટ બીલ,ટેલીફોન બીલ,શાકભાજી.ગ્રોસરી,કામવાળી બાય નો પગાર,લોન્ડ્રી નું બીલ,કેબલ નું ભાડુ વગેરે વગેરે માં મહીને કેટલાં પૈસા જોઈયે’?
‘હમણા તો હું બાર હજાર માં ચલાવું છુ પણ ઓછા પડે છે’ . સવિતા બોલી.
‘મને લાગે છે કે આપણે કોઈ પણ રીતે ઘર નો ખર્ચ ઘટાડવો જોઈએ’ . હું ડરતા ડરતા બોલ્યો.
‘કરેક્ટ’ . રાજીવે ટાપસી પૂરી.
‘ઘટાડે તો ક્યાંથી.વધારો થશે .તારા પપ્પા ની દવા, મારા ડોક્ટર ના ખર્ચા એ બધું ઘર ખર્ચ માં નહી ગણવાનું’ ?
‘એટલે બાર ને બદલે પંદર હજાર માં ચાલી રહેવું જોઈએ’.  હું બધાની વાતો સાંભળતો હતો.
‘પપ્પા મારે તો સોની ની હોમથીયેટર સીસ્ટમ લેવીજ છે’ .પહેલી ડીમાંડ રાજીવ ની . ’મારે લેપટોપ લેવાનું છે’ . સોનલે તોપ ફોડી. ‘મારા સેલ મા મેમરી ઓછી છે મારે નોકીયા નો નવો મોબાઈલ લેવો છે’.
મનમાં મેં કહ્યું કોના બાપ ની દિવાળી.?
‘મારા બહાર પહેરવાના કપડાં સાઉ પતી ગયા છે . ત્રણ મહીના થી એકે કપડું નથી લીધું’ . મમ્મી એ ફરીયાદ ના સૂર માં માંગણી મૂકી.
એલા કોઈક તો કહો કે પપ્પા તમારે કાઈ નથી જોઈતું? હું મનમા મનમાં વિચારતો હતો. છેવટે ન રહેવાતાં મારાથી બોલાય ગયું કે ‘મારાય કપડાં ફાટ્યા છે. મેં પાંચ પાંચ વર્ષ થી એક જોડી પેંન્ટ - શર્ટ પણ નથી કરાવ્યા.ઓફીસ માં મારે શરમાવુ પડે છે’.
‘હા હા આ વખતે તો તમારા પણ બે-ત્રણ જોડી કરાવી જ લેવા છે ને...આ મહિને અમારા બધાનુ પતે પછી આવતાં મહિને તમારો વારો . આ મહિને ખર્ચા વધારે છે એટલું તો તમે સમજો’ ? મારે સમજવું જ રહ્યું. હું શું બોલુ ? મનોમન વિચાર આવ્યો કે ક્યારેક કોઈક તો પુરુષ ના બલિદાન ની નોંધ લે. સ્ત્રી નો પ્રેમ, સહનશીલતા,સંવેદનશીલતાં ભાવના,કુર્બાની ની કેટકેટલી વાતો લખાય છે.છાપાં માં કટાર લખાય, ઈતીહાસ લખાયા છે પણ પુરુષ ના “કાંઈ નથી જોઈતુ” ને દુનિયા ક્યારેય નહી જોવે? એની વ્યથા ની કોઈ કથા નહી વંચાય?

ઘરની એકેક વ્યકતિ ની તમામ જરુરીયાતો પુરી કરવા જીંદંગી આખી ખર્ચી નાખનાર ને ક્યારેક તો કોઈ પૂછે- તારી પાસે શું છે?તને શું જોઈએ છે.? બધાય ને બધું આપવામાં બધુ જ ખર્ચી નાંખ્યા પછી ની જીંદગી ની કેવી અવદશા.

--
રમેશ શાહ

 

ગુજરાતી સાહિત્ય