Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા
Location: Blogsગુજરાતી લેખો    
Posted by: ગુજરાતી સાહિત્ય 5/30/2007 1:57 PM

આજકાલ લોકોને ગુજરાતી ભાષામાં પરીવર્તન લાવવા માટેનું ભુત વળગ્યુ છે એટલે લોકો આંખો મીંચીને ઊંઝાની પાછળ દોડે છે અને અન્ય લોકોને ઊંઝા જોડણીની ઊપયોગીતા અંગે "જાગૃત" કરે છે. મારે આ ચર્ચામાં પડવાનો કોઇ જ ઇરાદો નહોતો છતાં પણ ક્યારેક મૌન સંમતિસુચક બની જતુ હોવાથી લોકોને "જાગૃત" બનતા અટકાવવા માટે આ નાનકડો લેખ લખુ છુ.

મને આ ઊંઝા જોડણી માટે એક સરસ મજાનું રૂપક મળ્યુ છે. કદાચ આમ જનતા વ્યવસ્થિત રીતે મારો દૃષ્ટિકોણ સમજી શકશે. હું ઊંઝા જોડણીને આતંકવાદ સાથે સરખાવવા માગુ છુ.

આતંકવાદીઓ દેશમાં પરીવર્તન લાવવા માંગે છે, દેશની રોનક બદલવા માંગે છે. આતંકવાદીઓ થોડાક મોટા મોટા માથાઓને પોતાની તરફેણમાં કરીને પોતાના વિચારો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાની કોશીશ કરે છે. તેઓ પોતાનો અમુલ્ય સમય નવા નવા વિચારો કરવામાં અને પોતાની વિચારસરણીને  કઇ રીતે લોકો પર લાદી શકાય તેમાં વ્યથિત કરે છે. પરંતુ એ વિચારવાનો તેમને સહેજ પણ સમય નથી કે દેશની અત્યારની પરિસ્થિતિમાં તેઓ દેશને કઇ રીતે આગળ લઇ જઇ શકે. તેઓ કહે છે કે સરકાર કંઇ કરી શકતી નથી એટલે અમારે અલગ રાજ્ય જોઇએ અને અમે તેને નંદનવન બનાવીશું. અને પરિવર્તન દુનિયાનો નિયમ છે એટલે આપણે પરિવર્તન લાવશું જ. અને એમાં પણ જો કોઇ આતંકવાદી "શહિદ" થાય તો તો પછી પુછવું જ રહ્યુ. આ "શહિદ" ને પોરસાવી ને બીજા કેટલાય આતંકવાદીઓ ઊભા કરાય છે.

આજ રીતે ઊંઝા જોડણીના સમર્થકો પણ ગુજરાતી ભાષામાં પરિવર્તન લાવવા માંગે છે. તેઓ થોડાક મોટા મોટા લેખકોને ઊંઝા જોડણી કેટલી બધી સારી છે એ વિશે વાત કરીને પોતાની પાટલી પર બેસાડી તેમના ખભા પરથી બંદુક ચલાવે છે. તેઓ ઊંઝા જોડણીને હજુ કઇ રીતે સારીને સારી બનાવી શકાય એમ વિચારે છે પણ તેઓને એ વિચારવાનો સમય જ નથી મળતો કે આપણી ગુજરાતી ભાષાનો વ્યાપ કઇ રીતે વધારી શકાય અને વધારે ને વધારે લોકોને કઇ રીતે સુલભ બને તે દિશામાં યોગ્ય પગલા લઇ શકાય. તેઓ વિચારે છે કે જોડણીને કારણે ગુજરાતી ભાષા મૃતપ્રાય પડી છે અને જો ઊંઝા જોડણી અપનાવવામાં આવે તો ગુજરાતી ભાષાનો ઉદ્ધાર થઇ જાય અને ગુજરાતી લેખકો અને વાચકોની સંખ્યામાં ખુબ જ વધારો થઇ જાય. પરંતુ એ ભુલી જવાય છે કે તેઓ લોકોમાં ગુજરાતી વાંચન/લેખનનો રસ કેળવી શકશે નહી અને જો તેઓ ગુજરાતી વાંચન/લેખનનો રસ કેળવી શકવાને સમર્થ હોય તો પછી ઊંઝા જોડણીની જરૂરત જ રહે નહી. કારણ કે રસપુર્વક વાંચન/લેખન કરનાર વ્યક્તિ શુદ્ધ ગુજરાતી આપોઆપ જ શીખી જાય છે.

મને તો ઊંઝા જોડણીનો એક જ ફાયદો દેખાય છે. જો હું શુદ્ધ ગુજરાતીમાં લખતો હોઉ તો મને ડર લાગે છે કે જો જોડણીની ભુલ પડે તો મને કોઇક કહી જાય કે તને ગુજરાતી નથી આવડતુ. પરંતુ જો હું ઊંઝા જોડણીનું શરણું સ્વિકારુ તો પછી હું છાતી ઠોકીને ગુજરાતીમાં મન ફાવે તેમ લખી શકુ અને ઊંઝા જોડણીને મારી શાહમૃગવૃત્તિની ઢાલ બનાવી શકુ.

બની શકે કે આ લેખમાં જોડણીની ભુલ હોઇ શકે પરંતુ મને એની શરમ નથી આવતી કે લોકોનો ડર પણ નથી લાગતો કારણ કે હું શુદ્ધ ગુજરાતી શીખી રહ્યો છુ.
Permalink |  Trackback

Comments (8)   Add Comment
Re: ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા    By Neela Kadakia on 5/30/2007 1:20 PM
agree with you

Re: ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા    By Jayshree on 5/30/2007 1:55 PM
You are true.
તેઓ વિચારે છે કે જોડણીને કારણે ગુજરાતી ભાષા મૃતપ્રાય પડી છે અને જો ઊંઝા જોડણી અપનાવવામાં આવે તો ગુજરાતી ભાષાનો ઉદ્ધાર થઇ જાય અને ગુજરાતી લેખકો અને વાચકોની સંખ્યામાં ખુબ જ વધારો થઇ જાય.
This Logic doesnt make any sense to me.

ઉંઝાનો એક ફાયદો મને થયો છે.
જોડણી વિષે પહેલા જેટલી સભાન નો'તી એટલી હવે રહેવાની કોશિશ કરું છું. કારણ કે એમ લાગે કે ક્યાંક ખોટી જોડણી લખાઇ ગઇ તો 'ઉંઝાવાળી' ગણાઇ જઇશ.

Re: ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા    By સુરેશ જાની on 5/30/2007 2:46 PM
હું આ પ્રવૃત્તીના પ્રણેતાઓમાં નથી. ભાષાશાસ્ત્રી પણ નથી કે સાહીત્યકાર પણ નથી. પણ તમારા વક્તવ્યના એક બે મહત્વના વીચાર દોશ તરફ અંગુલીનીર્દેશ કરું છું.

આ સુધારો લખનારને સરળતા અપાવે છે. વાંચનારને પરંપરાગત જોડણી વાંચવામાં કોઇ તકલીફ છે જ નહીં. તેવો આગ્રહ રખાય પણ નહીં.
અને આ કોઇ આતંકવાદ નથી. ભાષા શીખવનારા શીક્ષકો અને અધ્યાપકોને આ સુધારો કરવા જેવો લાગ્યો છે. આમ કરવાથી ભાષાનો ઉધ્ધાર થશે તેવું હું કે કોઇ ઉંઝાવાળા માનતા જ નથી. અને જો કોઇ તેમ માનતા હોય તો તે માન્યતા ભુલ ભરેલી છે.

મારા એક મહીનાના અનુભવે કહું કે હવે મને બહુ જ શાંતી થઇ ગઇ છે. મને હજુ સુધી એવી એક પણ તર્કબધ્ધ વીચારધારા મળી નથી, જે આની તરફેણમાં કહેવામાં આવી રહ્યું છે તેનો સૌજન્યપુર્વક પ્રતીકાર કરે.
કોઇને મારો અનુભવ ન પણ ગમે. ન માનશો. પણ મહેરબાની કરીને આને ધીક્કારના સ્તરે ન લઇ જાઓ તો સારું. આપણે સૌ ભાષાના ચાહ્કો છીએ. આપણે એકમેકના દ્વેષી ન બનીએ.

Re: ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા    By Shah Pravinchandra Kasturchand on 5/30/2007 4:42 PM
ધડાકા અને ભડાકા થાય;
તણખા એના આભે ઊડે.
આંખને એ જોવું તો ગમે;
શું સ્થાપિત વ્યવસ્થા રડે?

કહેવું હોય તે કહો સહુ;
ને મર્યાદામાં રહો સહુ.
તાવ આવે તો ઝેર નહીં
દવા આપો;એમ હું કહું.


Re: ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા    By જુગલકીશોર on 5/30/2007 10:24 PM
1] આ પ્રવૃત્તીવાળાને ભુત વળગ્યાની વાત છે જ નહીં. તેઓ કહે છે : " ઉંજા જો. જ નહીં; ઉં.જો. પણ " જ્યાં સુધી સૌને ન સ્વીકાર થાય ત્યાં સુધી 'ઉં.જો. પણ' રાખ્યું છે.
2] આતંકવાદ કહેવો તે ખુદ 'આતંકવાદ'ને ન સમજવા બરાબર છે. એ એક દેશની અંદરની બાબત નથી. એ બે દુશ્મન દેશોની વચ્ચેની બાબત છે. ઉંઝા પ્રવૃત્તી કોઈને દુશ્મન માનતી જ નથી; પણ એને દુશ્મન માનીને એને ગાળો આપવામાં આવે છે તે જુદી વાત છે !!
3] ભાષામાં પરીવર્તનની વાત આ લેખમાં થઈ છે તે ભાષાના વીકાસની સમગ્ર પ્રક્રીયા જ સમજવાની જરુર છે. ભાષામાં પરીવર્તન કરનારાઓ ભાષાના પંડીતો કે/અને ભાષાના દસેક ટકા લોકો નથી. કોઈપણ ભાષાનું પરીવર્તન કરનારા એ ભાષાના 90 % લોકો હોય છે ! એનું કારણ પણ સમજવાની જરુર છે. ભાષા/બોલી એ વધુ તો જીભ અને કાનની બાબત છે. કાગળ પરના અક્ષરો અને આંખની બાબત બીજા નંબરે આવે છે !! એટલે ભાષામાં પરીવર્તન લાવવાનું કામ પંડીતો કે ઉંઝાવાળા કરી શકે જ નહીં !( આ વાત ઉંઝાવાળા બરાબર જાણે છે !) પરીવર્તનો લાવે છે એના 90 % લોકો !
4] વાચનની સંખ્યા, ભાષાનો વ્યાપ, ભાષાને મરતી બચાવવી કે એનો ઉદ્ધાર, "વાચનમાં રસ ઉભો કરવો" વગેરે બાબતો ઉં.જો ના સમર્થકો પુરતી મર્યાદીત નથી. દરેક ગુજ.ભાષીની એ ફરજ છે. ઉં.વાળા એવો દાવો (અને તે પણ કટુતાથી )કરતા નથી.
5] " રસપુર્વક વાચન લેખન કરનાર વ્યક્તી શુદ્ધ ગુજ. આપોઆપ શીખી જાય છે" તે વાત તદ્દન અતાર્કીક છે. આપોઆપ તો ત્યારે જ શીખાય જ્યારે 1-તમારી ભાષા સરલ હોય, 2-તેના નીયમો તાર્કીક હોય, 3-એમાં નીયમો કરતાં અપવાદો ઓછ હોય (બને તો નહીવત્ જ હોય ), 4-તત્સમ શબ્દોની જોડણીના નીયમો અલગ અને તદ્ ભવ શબ્દોની જોડણીના નીયમો અલગ એવી અરાજકતા એમાં ન હોય; 5-પ્રાથમીક શાળામાં છોકરું દાખલ થાય કે તરત જ એને બીજા વીષયો કરતાં પોતાની માતૃભાષા જ આકરી અને ન ગમતી લાગવા માંડે એવી એ ભાષાની 'વ્યવસ્થા' ન હોય !; 6-એસ.એસ.સી.માં કેવળ એક જ વીષયમાટે થઈને નાપાસ ન થવું પડે જે એની પોતાની ખુદની "માતૃભાષા" હોય !!!!!! ; 7-ખુદના જ આખા પ્રદેશમાંથી ખુદ ભાષાને દેશવટો લેવો પડે એટલી હદે એનાં સંતાનો ભાષાને સ્પેશ્યલ વીષય તરીકે નહીં લેવા મઝબુર કરે નહીં; 8-ગુજરાતીના વેપારીઓ-એના શીક્ષકો,અદ્યાપકો-વીદ્વાનો-લેખકો-અરે,જોડણીકોશ રચનારાઓની પણ ભુલો રહી જાય ત્યાં સુધીની અઘરી વ્યવસ્થા(!) એ ભાષામાં ન હોય; 9-પુસ્તકમાં, ગ્રંથોમાં, વીદ્વાનોના "ચંદ્રકો મેળવવાને લાયક" (!) સાહીત્યમાં ય ભાષા-જોડણીની ભુલો ચલાવી લેવી પડે એ સ્થીતી ન હોય; 10-પુસ્તક-પ્રકાશનમાં લેખક નહીં પણ પ્રુફરીડરને જ 'દાદો' ગણવો પડે એ હદે લેખકની જોડણી વીષયક બેકાળજી કે આળસ ન રહેતી હોય !! .........આ બધું અટકાવી શકાશે ત્યારે જ "આપોઆપ" શુદ્ધભાષાવાળું બધું બનશે.
6] "શુદ્ધ ગુજરાતી" એટલે શું, ફક્ત શુદ્ધ જોડણી એટલો જ અર્થ થાય ?! શુદ્ધ વાક્યરચના પણ અનીવાર્ય છે. ઉંઝાવાળા ભાષાની ફક્ત નાનકડી અને ભાષાની અરાજકતાવાળી ફક્ત અને ફક્ત જોડણીની જ વાત કરે છે.શુદ્ધ ભાષા તો વાક્ય રચનાની પણ સહાય લેવાથી થશે. હજી તો ભાષાની જોડણીની જ વાત કરી છે ત્યાં આટાઅટલો ઉહાપોહ છે ત્યારે વાક્યરચનાની તો વાત જ શી રીતે થશે ?!
7] અને આ ઉહાપોહ કોણ કરે છે ?! જેમને ગુજ.ભાષી 90% લોકોની કંઈ પડી નથી તેઓ ?! જેમને ભાષા-વીજ્ઞાનની સમજ જ નથી તેઓ ?! ભાષાના સરલીકરણ દ્વારા ભાષાને વધુ સહજ અને વધુ પ્રીય બનાવવાની વાત સામે આટલું બધું ખુન્નસ ?! જેમને ભાષાની ખરેખર દાઝ હોય તેઓ સરકારી પરીપત્રોમાં, છાપાંઓમાં, ટી.વી.માં, અરે ઉચ્ચ કક્ષાના લેખકોનાં પુસ્તકોમાં જ્યાં જ્યાં ભુલો થાય છે તેમની સામે આંદોલનો કરે ! આરામ ખુરશીમાં બેસીને બે પુસ્તકો વાંચીને ભાષાની ચીંતા કરનારને ઉંઝા અંગે તો શું ભાષાના કક્કા વીષેય બોલવામાં સંકોચ થવો ઘટે. અમે ગુજરાતનાં છેક ઝુંપડાંઓમાં જઈને 28 વર્ષ કામ કર્યું છે. એ લોકોને જઈને પુછો, માતૃભાષા એટલે શું ? જોડણી એટલે શું ? આગળ ભણવામાં તમારો છોકરો પાછો પડે છે તેમાં કયો વીષય આડે આવે છે ?!

આપણે સૌ ભણેલાં છીએ એટલે બોલકાં છીએ. બાકી જેઓ અભણ છે, મજુરીમાંથી આગળ આવી શકતાં નથી, જેમને પણ સંતાનોને ભણાવવાં છે( આ વર્ષે બોર્ડમાં પ્રથમ દસમાં ત્રણ છોકરા મજુરોનાં આવ્યાં એનો આનંદ અહીં અપ્રસ્તુત છે બાકી એ આ વર્ષના હીટ સમાચાર હોવા ઘટે !! પણ હાય રે આપણી વીદ્વદ્ સમાજની શરમ ! એને કોણ સમાચાર કહે !) એવા 90 ટકા લોકોની વાત સાંભળવાની કોને પડી છે ?

ક્ષમા કરશો. વધુ લખાઈ ગયું લાગે તો માફ કરશો. પણ ભાષા-વીજ્ઞાન થોડુંક ભણવા મળ્યું છે અને નીચલા (આર્થીક-સામાજીક-શૈક્ષણીક રીતે) વર્ગનાં લોકોમાં કામ કરવાનું સદ્ભાગ્ય મળ્યું છે એટલે જ આટલું લખાઈ ગયું......અસ્તુ.

Re: ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા    By Chirag Patel on 5/31/2007 10:03 AM
આપ જે બોલો છો એમાં કેટલું શુધ્ધ ગુજરાતી વાપરો છો એ જણાવવાની કૃપા કરશો. કેટલા શબ્દો સંસ્કૃતપ્રચુર અને કેટલા ફારસી/ઉર્દુ/ઇંગ્લીશ વાપરો છે એ પણ ધ્યાન આપશો.
ભાશા એને સમજનારા કરતાં એને વાપરનારા લોકો પર વધુ આધાર રાખતી હોય છે. આપણો ઇતિહાસ આવા કેટલાંય દાખલાંઓથી ભરેલો છે. સંસ્કૃત એનું ઉત્તમ ઉદાહરણ છે.

Re: ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા    By વિનય ખત્રી on 7/3/2007 3:54 AM
એક્દમ સાચી વાત, વિશાલભાઇ!

Re: ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા    By 23 on 4/30/2008 11:22 AM
mareijf eijfe 9o


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft