Search
Thursday, August 21, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 નાડીજંઘની વાર્તા
Location: Blogsબોધ કથા    
Posted by: ગુર્જરદેશ બોધકથા 6/18/2006

 કૃતજ્ઞતા એ મોટો સદગુણ છે. કોઇએ કરેલા ઉપકારને ન ભુલી જવો જોઇએ. કૃતજ્ઞતા એ એવો ધર્મ છે કે જેને પાળવાથી મોટુ પુણ્ય મળતું નથી પરંતુ તેને ન પાળવાથી મહાપાપના ભાગીદાર થવાય છે.

 એક બ્રાહ્મણ હતો. તે સ્વધર્મ ભુલીને જંગલમાં જઇને પશુઓને મારીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જે વ્યક્તિ ઇન્દ્રિયસુખને જ સર્વસ્વ માને છે તે વિષયો પાછળ આંધળી દોટ મુકે છે અને વધારે ને વધારે પૈસા કમાવા ઇચ્છે છે. પોતાની ઇચ્છાઓને પુરી કરવા માટે તે ધર્મ અને ન્યાયની વિરુધ્ધ પણ જઇ શકે છે. જે વ્યક્તિ ધર્મભીરુ કે પાપભીરુ નથી તે પોતાના માટે તેમજ સમાજ ને માટે પણ ઘાતક છે.

 આ બ્રાહ્મણ બીજા લોકો સાથે દેશાંતર કરતા કરતા એક દુર્ગમ પર્વત શ્રેણી પાસે આવ્યો. આ દરમિયાન એક મદોન્મત હાથી આવ્યો અને તેની પાછળ દોડવા લાગ્યો. દરેક લોકો અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા. આ બ્રાહ્મણ બીજા લોકોથી વિખુટો પડીને ખુબ જ દુર્ગમ સ્થાન પર આવી ગયો. તેને પોતાની જગ્યાએ પાછુ કેમ જવુ તેનો તાગ જ મેળવી ના શક્યો. આખરે તે થાકેલો હોવાને લીધે અશ્વથ્થા વૃક્ષની છાંયામાં બેઠો.

 આ વૃક્ષની ઊપર નાડીજંઘ નામનો એક મહાબક રહેતો હતો. તે કોઇ સાદો બગલો નહોતો. તે વિશાળકાય કાયા, ધર્મ-અધર્મ વિચક્ષણતા અને સંભાષણ સામર્થ્ય ધરાવતો હતો. તે બ્રહ્માનો મિત્ર હતો અને તેથી કોઇ કોઇ વારે બ્રહ્મલોકનુ વિચરણ પણ કરતો હતો. નાડીજંઘે થાકેલા મુસાફરને વૃક્ષની છાયામાં આરામ લેતો જોયો અને તેનો આદર સત્કાર કર્યો. તે બોલ્યો "હે મહાત્મા! તમે કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જઇ રહ્યા છો?". પછી તે અધમ બ્રાહ્મણ પોતે કેવી રીતે અહીં આવી પહોંચ્યો તે વાર્તા કહી. નાડીજંઘે તે બ્રાહ્મણને સહાનુભુતિ ભર્યા વચનો કહ્યા, પાણી અને ભોજન અર્પણ કર્યુ  અને પોતાની પાંખોથી તેને હવા નાખવા લાગ્યો.

 અંધારુ થતુ જોઇને નાડીજંઘ બોલ્યો, "હે મહાનુભાવ! હવે તમે મારા મિત્ર થયા. તમારૂ દુઃખ અને દારિદ્ર દુર કરવુ એ મારી નૈતિક ફરજ છે. નજીકમાં જ મારો પ્રિય મિત્ર અને રાક્ષસોનો રાજા વિરૂપાક્ષ રહે છે. તે એક ધર્માત્મા છે અને અહીંથી ૩ યોજન દુર મધુરજ નામની રાજધાનીમાં રહે છે. જો તમે ત્યાં જશો અને મારુ નામ આપશો તો તમને તે રાજા ઘણું જ ધન આપશે. આજે તમે અહીં આરામ ફરમાવો અને સવાર પડ્યે આપ અહીંથી રવાના થઇ શકો છો." નાડીજંઘે ફુલોની પથારી કરી અને આખી રાત એ અધમ બ્રાહ્મણની રાની પશુઓથી રક્ષા કરતો રહ્યો.

 સવાર પડતાની સાથે જ એ બ્રાહ્મણ વિરૂપાક્ષના મહેલ તરફ રવાના થયો અને નાડીજંઘનું નામ સાંભળતા જ રાજાના સેવકો તેને આદરથી અંદર લઇ ગયા. કોઇ પણ વ્યક્તિના આચાર વિચાર તેની શારીરિક આકૃતિ પરથી કળી શકાય છે. રાજા હોવાને લીધે વિરૂપાક્ષ આ બ્રાહ્મન ભ્રષ્ટ છે એમ ઓળખી ગયો પરંતુ તેને પોતાના મિત્ર નાડીજંઘે મોકલ્યો હોવાને લીધે તેનો ખુબ આદર સત્કાર કર્યો. તેણે તેને સારા મિષ્ટાન જમાડી ખુબ ધન આપ્યુ અને રવાના કર્યો. આ બ્રાહ્મણ ખુબ ધનરાશીને ઊપાડી ન શકવાને કારણ નાડીજંઘના ઘરે થોડો આરામ કરવાનું નક્કી કર્યુ. નાડીજંઘે તેની ખુબ આગતા સ્વાગતા કરી અને રાત્રે પોતાના ઘરે રોકાઇ જવા માટે આગ્રહ કર્યો.

 આ પતિત બ્રાહ્મણ અડધી રાત્રે ઉઠ્યો અને નાડીજંઘને પોતાની બાજુમાં જોયો. આ દુરાત્માને બગલાના વિશાળકાય શરીરને જોઇને દુર્બુધ્ધી સુઝી. તેને બગલામાં એક મહાત્માની જગ્યાએ પોતાની ભુખ મિટાવનારૂ એક મિષ્ટાન જોયુ. આ બ્રાહ્મણે વિચાર્યુ કે આ બગલો આવતીકાલની લાંબી મુસાફરી માટેનું સારુ ભોજન બનશે. તેણે એક મોટી લાકડી લીધી અને નાડીજંઘને મારી નાખ્યો. તેણે બગલાના પીંછા કાઢી નાખ્યા, તેનું માંસ શેકીને પોતાની થેલીમાં નાખ્યુ. આ બાજુ વિરૂપાક્ષ નાડીજંઘનો પ્રિય મિત્ર હોઇ અચાનક ઊંઘમાંથી ઉઠી ગયો અને પોતાના મિત્રની ચિંતા કરવા લાગ્યો. તેણે રક્ષકોને નાડીજંઘની કુશળતા જાણવ માટે મોકલ્યા. રાજાને ખરી વાતની જાણ થતા જ તેમના સૈનિકોને હુકમ કર્યો "ઓ રાક્ષસો! આ નરાધમનું માથું કાપી, શરીરના ટુકડા કરીન ખાઇ જાઓ. તમે રાક્ષસ હોવાને લીધે નરમાંસ ખાઇ શકો છો." સેવકો બોલ્યા, "ક્ષમા મહારાજ! અમે તો આ કૃતઘ્નીના માંસની ગંધ પણ ન લઇ શકીએ." આમ બોલીને તેમણે આ માંસને કુતરાઓને નાખ્યુ પરંતુ કુતરાઓએ પણ માંસ ન ખાધુ.

 વિરૂપાક્ષે નાડીજંઘનું ક્રિયાકર્મ કર્યુ અને તેને સદગતિ પ્રાપ્ત થઇ. આ દુઃખદ સમાચાર સાંભળતા જ બ્રહ્મદેવે નાડીજંઘને કામધેનુનું અમ્રૃત ક્ષીર આપીને નવુ જીવન આપ્યુ. નાડીજંઘને જોઇને વિરૂપાક્ષ ઘણો જ ખુશ થયો અને સઘળી હકીકતથી તેને વાકેફ કર્યો. પતિત બ્રાહ્મણના મૃત્યુની વાત સાંભળીને નાડીજંઘ દુઃખી થયો અને પોતાના મિત્ર બ્રહ્મદેવને આ બ્રાહ્મણને જીવન આપવા માટે વિનંતી કરી. જ્યારે બ્રહ્મદેવે આ બ્રાહ્મણને જીવતો કર્યો ત્યારે નાડીજંઘે તેને સઘળા રત્નો આપ્યા અને તેને પોતાના ઘેર જવા રવાના કર્યો. તે પતિત બ્રાહ્મણ પશ્ચાતાપ કર્યા વગર ખુશીથી ચાલ્યો ગયો.

 બ્રહ્મદેવે નાડીજંઘને આશિષ આપ્યા કે "તુ શ્રેષ્ઠ ધર્માચારી હોવાને લીધે તુ રાજધર્મ તરીકે નામના પામીશ. દેવતાઓ પણ તારા ધર્મ સ્વભાવ અને ક્ષમાગુણની ગાથાઓ ગાશે."

વિશેષ ટીપ્પણી

 કૃતજ્ઞતા - કરેલા ઉપકાર યાદ રાખવા તે
કૃતઘ્નતા - કરેલા ઉપકાર ભુલી જવા તે

વાર્તામાંથી મળેલો બોધ

મિત્રદ્રોહ અને કૃતઘ્નતા એ મહાપાપ તરફ દોરી જનારા છે.

નાડીજંઘે અતિથિ સેવા, કરૂણા અને ક્ષમાના ગુણો શિખવ્યા.

Permalink |  Trackback

Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft