તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવાડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
– વેણીભાઈ પુરોહિત
Courtesy: www.Readgujarati.com
ખોટ વર્તાયા કરે
જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
માફ કર નિષ્ક્રિયતા મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.
એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.
વિશ્વસર્જક, ઘાટ અને ઘડતરની આ અવળી ક્રિયા !
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયાં કરે ?
આપણે હે જીવ ! કાંઠા સમ જવું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયાં કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજ રૂપે પણ નભે ક્યારેક દેખાયાં કરે !
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયાં કરે.
આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યાં કરે, ને આમ જિવાયાં કરે.
જિંદગીનો એ જ સાચો પડધો છે ‘ગની’
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયાં કરે.
‘ગની’ દહીંવાલા Courtesy: www.Readgujarati.com
શાનદાર
હોઠો હસી રહ્યા છે અને અશ્રુધાર છે;
મારા વિશે આ મારો અનોખો પ્રચાર છે.
અવકાશ જો મળે તો તમે આ વિચારજો,
યૌવનની ભૂલ એક સરસ યાદગાર છે.
ઊજવી શકાય એવા પ્રસંગો નથી રહ્યા,
મૃત્યુને માટે કેવો સરસ આવકાર છે.
બચપણ પછી યુવાની, યુવાની પછી ઉમંગ,
કેવો સરળ ને છાનો તમારો પ્રચાર છે.
વિશ્વાસ હું મૂકું છું બધા માનવી ઉપર,
વર્ષોથી મારો પ્રિય વિષય અંધકાર છે.
પગલાંઓ મારાં મેં જ ભૂંસ્યા કે ભરમ રહે,
વાતાવરણ કહે કે કોઈ આવનાર છે.
ઉપકાર પણ કરીને ઢળી જાય છે સદા,
આંખો ઉપર ખુદાને ખબર શેનો ભાર છે ?
કહેવું પડ્યું ઢળેલાં નયન જોઈને આ ‘સૈફ’
જે પ્યારમાં મળે એ પતન શાનદાર છે.
– સૈફ પાલનપુરી
Courtesy: www.Readgujarati.com
કલાપી ના કાવ્યો
દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
http://dhavalshah.com/layastaro/2006/06/blog-post_10.html
January 16, 2006 at 8:51 pm · Filed under ગઝલ, બેફામ
સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.
મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.
મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
-’બેફામ’
બેફામસાહેબની આ ગઝલનો છેલ્લો શેર ગુજરાતીના સૌથી યાદગાર શેરમાં સ્થાન પામે છે. આ સામાન્ય લાગતા શેરમાં એમણે જીવનની સરળ અને સચોટ ફિલસૂફી ભરી દીધી છે.
http://layastaro.com/?p=168