વિશ્વને
રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.
‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?
મુક્તિ
કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.
ભાગ્ય
પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.
ચંદ્ર
ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.
માતા
કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.
શૂન્ય
, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
http://urmi.wordpress.com/2006/07/22/gaurav_katha_gujaratni/
હું ગુર્જર ભારતવાસી
હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું.....
અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું.....
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી . હું....
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી . હું....
ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.
- ઉમાશંકર જોશી
Courtesy: www.Readgujarati.com
ગુણવંતી ગુજરાત
રાગ : માઢ-ગરબી
ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત !અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં,ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી !તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત !
મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત !
સંત મહંત અનંત વીરોની,વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત !
ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય
અમારી ગુણવંતી ગુજરાત !
સર સરિતા રસભર અમીઝરણાં,રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી,માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત !
હિન્દુ મુસલમિન,પારસી,સર્વે માત !અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત !
ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર
અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત !અમારી ગુણવંતી ગુજરાત
- અરદેશર ખબરદાર
Courtesy: www.Readgujarati.com
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.
ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.
અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર
કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.
કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.
Courtesy: www.Readgujarati.com