Search
Friday, September 03, 2010 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી સાહિત્ય
Author: ગુર્જરદેશ કાવ્યો Created: 4/22/2006 4:10 PM
આ વિભાગમાં આપ જુદા-જુદા કવિઓ/ગઝલકારોના અનેક રસથી ભરપુર પદ્ય માણી શકો છો. પીઢ કવિઓની રચનાઓથી માંડીને નવોદિત કવિઓની રચનાઓ, છંદબધ્ધ કવિતાઓથી માંડીને આછંદ ગઝલો પણ તમને અહીં જોવા મળશે.

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
ં માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ...

શ્રાવણની કોક કોક વે'લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગૈ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરી નૈ.

જેણે સમજુ થયા પહેલાં જ મા ગુમાવી દીધી છે, તેવું બાળક માતાની કેવી કેવી કલ્પના કરે? રવીન્દ્રનાથ ટાગોરના ગીતનો ઝવેરચંદ મેઘાણીએ કરેલો આ અનુવાદ છે.

ગુલાબી આદમી છઈએ, રૂવાબી આદમી છઈએ,
અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ

હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ,
મળે તે માણીએ હાજરજવાબી આદમી છઈએ

અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ

નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર!
ખુશીથી આવ, ઓ ખાનાખરાબી! આદમી છઈએ

ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબતનાં
કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
ં માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ...

શ્રાવણની કોક કોક વે'લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગૈ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરી નૈ.

અરે, આ ઓચિતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે!
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુયાં કૈં રુધિરમાં!
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં!
અને આ હૈયાની ઊષર ધરતીમાં પરિમલ્યા
નયા દૂર્વાકુરો ફર ફર થતાં. સ્હેજ ચમયું
સૂતેલી પત્નીનું શરીર; ઝબયો હુંય, પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલયું.
વીતેલા વષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.

(ઊષર - પડતર, પરિમલ્યા - ખીલ્યા, દૂર્વાકુરો - ઘાસનો અંકુર)

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે 'શૂન્ય'મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો 'શૂન્ય' તો લાખોમાં એક છે."

સદીઓથી એવું જ બનતું રહ્યું છે
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા

સખી, એને જોવા તું ચાહી રહી છે
જે સપનું રહે છે હંમેશાં અધૂરું
પ્રીતમનો પરિચય તું માગી રહી છે
વિષય તારો સુંદર, કુતૂહલ મધુરું

લે સાંભળ, એ સામાન્ય એક આદમી છે
હ્રદય એનું ભોળું, જીવન એનું સાદું
ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો
ન આંખોમાં ઓજસ, ન વાતોમાં જાદુ

એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે
છે ચૂપકીદી એની સદંતર નિખાલસ
નથી એની પાસે દલીલોની શતિ
કદી પણ નથી કરતા ચર્ચાનું સાહસ

જુએ કોઈ એને તો હરગિઝ ન માને
કે આ માનવીમાં મહોબ્બત ભરી છે
કોઈના બૂરામાં, ન નિદા કોઈની
નસેનસમાં એની શરાફત ભરી છે

જગતની ધમાલોથી એ પર રહે છે
છે પોતાના રસ્તે જ સૂરજની માફક
સખી, મારા પ્રીતમની છે એ જ ઓળખ
છે સૌ લોક માટે જીવન એનું લાયક

ગરીબોની પાસે, કે રાજાની પડખે
જગા કોઈ પણ હો એ શોભી શકે છે
પરંતુ સખી, આવી દુનિયાની અંદર
ભલા, એવા માણસને કોણ ઓળખે છે?

આભ નહીં સાંભળી શકશે
કારણ કે એ ભોળું છે
વરસાદ છે કે તોફાન કરતા
છોકરાઓનું ટોળું છે?

શાંત સરોવર ઉપર લખાતું
છાંટાનું જોડકણું છે
છબાક છબ છબ કરતું કેવું
ખાબોચિયું બોલકણું છે!

નેવાંથી પડતાં ટીપાંનું
નાનકડું ગીત ગાવું છે,
પાણીની સીડીથી મારે
મેઘધનુષ પર જાવું છે!

આવે વખતે ચોપડીઓમાં
યાં મોં ઘાલી રહેવું છે,
એકબીજાને મળી અને
'વરસાદ મુબારક' કહેવું છે!

જો આપને આ કવિતાના કવિ વિશે માહિતી હોય તો અમને કહેવા વિનંતી.

ક બહુ લિસ્સો હતો, લપસી ગયો
ખના પગમાં ખોડ, તે મોડો પડયો
ગના બે કટકા, છતાં સાથે રહ્યા
ઘનું મોઢું બંધ, ગૂંગળાઈ મર્યો
ચ બગાસાં ખાય છે, તે જોઈને
છને આવી છીંક, ૨ ૩ ૪ ૬
જનો હાથ ઊંચો થયો સત્કારમાં
ઝએ લાંબા થૈને ઝટ ઝાલી લીધો
ટ બહુ ચંચળ ઊછળતો કૂદતો
લપસ્યો, પછડાયો ને ઠ ડ ઢ થયો
ગ જતો'તો રમવા સંતાકૂકડી
હાથ દૈ રોયો તો ગનો ણ થયો
ત હતો તૈયાર કૂદકો મારવા
થએ કાઢી આંખ, તો થીજી ગયો
દને પગ નહોતા, કે ઊભો રહી શકે
લૈને ટેકણલાકડી ધ થૈ ગયો
નને વાંકી પૂંછડી નડતી રહી,
પએ વીંઝી પાંખ, પીંખાઈ ગયો
કને ઊગી પૂંછડી, કહેવાયો ફ,
બના પેટે ગાંઠ તે રડતો રહ્યો
ભ ફરે છે સૂંઢને ડોલાવતો
સૂંઢ તૂટી ગૈ તો ભનો મ થયો
ય ફૂલેલા પેટથી શરમાય ને
રને દુર્બળ દેહનો છે વસવસો
લ લડે છે ઢાલ ને તલવાર લૈ
વને લાગી બીક, તે નાસી ગયો
શને ષ સ ત્રણે સગ્ગા ભાઈઓ
ચોથો ભાઈ હ જે પિત્રાઈ હતો
ળ ક્ષ ને જ્ઞ રહી ગ્યા એકલા,
આમ આ કક્કો અહીં પૂરો થયો.

મન મરણ પહેલાં મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દિલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખડી ભોળી, વદન ભોળું, અદાઓ ભોળી,
પ્રાણ એ રૂપ હરી જાય તો કહેવાય નહીં

ચાંદની રાત, ભર્યા જામ, સૂરીલાં ગીતો,
આજ મારો દી ફરી જાય તો કહેવાય નહીં

કંઈ મજા મીઠી તડપવામાં મળે છે એને,
દિલ વ્યથા વેરે વરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દિલને બદલે,
ચોર નિદોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માયો મરી જાય તો કહેવાય નહીં.

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!
 છે મને રાતદી એક તારો જ ભય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!

જોતજોતામાં થઈ જાય તારું દહન
વાતોવાતોમાં થઈ જાય અશ્રુવહન
દવ દીસે છે કદી તો કદી જળપલય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!

કોઈ દુખિયાનું દુઃખ જોઈ ડૂબી જવું
હોય સૌંદર્ય સામે તો કહેવું જ શું?
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!

આભ ધરતીને આવી ભલેને અડે
તારે પગલે જ મારે વિહરવું પડે
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!


 ગુજરાતી સાહિત્ય

સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft