Search
Friday, September 03, 2010 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી સાહિત્ય
Author: ગુર્જરદેશ કાવ્યો Created: 4/22/2006 4:10 PM
આ વિભાગમાં આપ જુદા-જુદા કવિઓ/ગઝલકારોના અનેક રસથી ભરપુર પદ્ય માણી શકો છો. પીઢ કવિઓની રચનાઓથી માંડીને નવોદિત કવિઓની રચનાઓ, છંદબધ્ધ કવિતાઓથી માંડીને આછંદ ગઝલો પણ તમને અહીં જોવા મળશે.

ફર્યો તારી સાથે પ્રિયતમ સખે! સૌમ્ય વયનાંસવારોને જોતો વિકસિત થતા શૈલશિખરે; અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના મયૂરોની કેકાધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાંવિલોકીને વેર્યો વિમલ કુસુમોના ગણ, અને સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે, અને ત્યાં પાસેના તરુવર રહ્યાં ઉત્સુક બની!ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,કર્યા ઉદગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;સખે! થોડી ખીણો ગહન મહિં તો યે રહી ગયા,કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરુંઅને તેને આજ તરલ ધરું તારા ચરણમાં,ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં! અહીં કવિ કાન્ત પોતાનો કાવ્યસંગ્રહ અંગત મિત્ર બ.ક. ઠાકોરને અર્પણ કરે છે. અને અર્પન રૂપે આ સોનેટ લખે છે. કુદરતને ખોળે આ બે યુવાનોએ યુવાનીના શ્રેષ્ઠ વર્ષો સાથે ગાળ્યા. શૈલશિખરે રો નવા પડકારોને ઉગતા જોયા. સરિતા જળમાં થતી તરંગલીલાને કવિજળનું સ્વપ્નસ્મિત કલ્પે છે. સૌંદર્યોને પ્રતિબિંબવા જે સર્જનો કર્યા, તેમાનાં ઘણા તો કાળની લહરમાં વહી ગયા; જે થોડા સંગ્રહાયા તેની ભેટ કવિ ધરે છે, મિત્રના ચરણમાં...

Read More »

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી?  ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે...

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે...

સોગંદ, પેલી રસ્તા પર નીકળેલી છત્રીના
સોગંદ, પેલી છત્રીની નીચેથી ડોકાતા પગના
સોગંદ, પેલા પગને પંપાળનારા પાણીના
ઓ રે વરસાદ! જેના બારણા ખૂલ્યા, તેને આપ્યા તે દિવસો ઉજાણીના

ઠાલવે છે સૂંડે ને સૂંડે તુ ખણખણતી મુદ્રાઓ - જેણે જે માગી
એક સાથે આખીયે રૈયતને આજ પોતપોતાની લોટરીઓ લાગી!
ફાડે છે સહુ પોતપોતાના ચોપડા ઉધારીના ને ઉઘરાણીના...

માણસને બદલ હું છત્રી જો હોત, તો તો ઉઘાડ્યો હોત મને કોઇએ
ઓ રે વરસાદ! મને એટલું યે ભાન નથી - કેવો વરસાદ મારે જોઇએ
કિયા સોય દોરા બખિયા મારીને બધાં ચીંથરાં સાંધ્યાં તેં મારી વાણીના?

વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ
પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ?
એક પળ બસ એક પળ આપી જુઓઃ
કેવું જીવનને મઠારી નાખીએ!
ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણી
ચાલો, તમને પણ વિચારી નાખીએ
સાવ ઝાંખા છે પરિચયના દીવા
રાતવાસો ક્યાં ગુજારી નાખીએ?

એક હતો રેઇનકોટ
ને આપણે બે!
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મુકી
વરસી પડ્યો મેહ!
'તું જ ઓઢે ને?'
'હું નહી' 'હું નહી' કરતાં આપણે
કેટલું નાહ્યા!  કેટલું નાહ્યા!
યાદ છે તને?
સારું થયું ને? કે ...
બે હતાં આપણે
ને રેઇનકોટ એક!

બનવુ હોય સરિતા અને સહરા બની જાઓ તો કંઇ નહી!
મરીચિકાને મરુતનો સહારો મળી જશે.
બનવુ હોય પ્રભા ને નિશા બની જાઓ તો કંઇ નહી!
આગિયો સુરજ બનવાનો મોકો રળી જશે.
બનવુ હોય કમળ ને કર્દમ બની જાઓ તો કંઇ નહી!
શતદલના એ સૌંદર્યે ઉમેરો થઇ જશે.
બનવુ હોય ધબકાર ને અંગાર બની જાઓ તો કંઇ નહી!
યાદ ડાઘ બની દિલચાંદે ભળી જશે.
બનવુ હોય તબીબ ને મરીજ બની જાઓ તો કંઇ નહી!
ચિહનો એ દર્દના 'દિલ' આપમેળે કળી જશે.


 ગુજરાતી સાહિત્ય

સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft